તમે હંમેશા યાદ રાખો કે તમે જે કોઈપણ ક્ષેત્રમાં હોવ, જે રીતે તમે પોતાની કારકિર્દી માટે ધ્યેય નક્કી કરો છે તે પ્રકારના ધ્યેય દેશ માટે પણ હોવા જોઈએ. જો તમે ટેકનિકલ ક્ષેત્રમાં હોવ તો તમારા ઈનોવેશન્સ કઈ રીતે દેશના કામમાં આવી શકે, શું તમે એવી પ્રોડક્ટસ વિકસાવી શકો તેમ છો કે જેનાથી ગામડાંના ખેડૂતોને સહાય મળે. દૂર દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી શકાય.
આવી જ રીતે તમે જો તબીબી ક્ષેત્રમાં હોવ તો આપણી આરોગ્યની સુવિધાઓને કેવી રીતે મજબૂત બનાવી શકાય, આજે ગામડાંમાં પણ કેવી રીતે ગુણવત્તાયુક્ત સર્વિસીસ ઉપલબ્ધ થઈ શકે તે માટે તમે ટેકનિકલ મિત્રોની સાથે મળીને નવા સ્ટાર્ટઅપ્સ માટે આયોજન કરી શકો છો. આરોગ્ય ધામ જેવા વિઝન સાથે સિમ્બાયોસીસે જે શરૂઆત કરી છે તે સમગ્ર દેશ માટે એક મોડેલ તરીકે કામ આવી શકે તેમ છે. અને હું જ્યારે આરોગ્યની વાત કરી રહયો છું ત્યારે તમને એ પણ કહીશ કે તમારા શરીર સૌષ્ઠવનું પણ ચોક્કસ ધ્યાન રાખો. ખૂબ હસો, જોક્સ મારો, ખૂબ ચુસ્ત રહો અને દેશને નવી ઉંચાઈ પર લઈ જાવ. આપણાં ધ્યેય જ્યારે વ્યક્તિગત વિકાસથી આગળ વધીને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડાઈ જાય છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આપણે પોતે પણ ભાગીદાર હોઈએ તેવો અનુભવ વધી જતો હોય છે.
સાથીઓ, આજે જ્યારે તમે પોતાની યુનિવર્સિટીના 50 વર્ષના મુકામની ઉજવણી કરી રહ્યા છો ત્યારે હું સિમ્બાયોસીસ પરિવારને થોડોક આગ્રહ કરવા માંગુ છું. અને અહિંયા જે લોકો બેઠેલા છે તેમને પણ આગ્રહ કરવા માંગુ છું કે સિમ્બાયોસીસમાં આપણે એક પરંપરા નિશ્ચિત કરી શકીએ તેમ છીએ, કારણ કે દરેક વર્ષ કોઈ એક થીમ માટે સમર્પિત કરવામાં આવે તો અહિંયાના જે લોકો છે, પછી ભલે ને તે કોઈપણ ક્ષેત્રમાં હોય તેમણે એક વર્ષ સુધી પોતાના કામ ઉપરાંત કોઈ એક થીમ માટે તેમનો કોઈને કોઈ સમર્પણ ભાવ દાખવે, યોગદાન તથા ભાગીદારીના પ્રયાસો થતા રહેવા જોઈએ. આપણે નક્કી કરીએ કે અહિંયા ગોલ્ડન જ્યુબિલી મનાવી રહ્યા છીએ ત્યારે હવે પછીના પાંચ વર્ષ માટેનો થીમ કયો હોઈ શકે. 2023નો થીમ શું હોઈ શકે, 2027નો થીમ શું હોઈ શકે. શું આપણે આ બધુ નક્કી કરી શકીએ છીએ.
હવે એક થીમ હું તમને બતાવું છે. એવું જરૂરી નથી કે તમારે આ થીમ સાથે આગળ ધપવું જોઈએ. તમારી પોતાની યોજના બનાવો અને માની લો કે, વિચાર કરો કે, ગ્લોબલ વોર્મિંગનો વિષય લીધો છે અને વર્ષ 2022માં આપણો પરિવાર ગ્લોબલ વોર્મિંગના દરેક પાસાંનો અભ્યાસ કરે, તેની પર સંશોધન કરે, તે અંગે સેમિનાર યોજે, તે અંગે કાર્ટુન બનાવે, તેની પર વાર્તાઓ લખે અને તે બાબતે કવિતાઓ લખે. એવી જ રીતે કોઈ ઈક્વિપમેન્ટનું ઉત્પાદન કરે, આનો અર્થ એ થયો કે બાકી બધા કામ કરતાં કરતાં વધારાનું એક કામ આ થીમ બાબતે કરવામાં આવે અને લોકોને જાગૃત કરવામાં આવે.
આવી જ રીતે વાત કરીએ તો આપણાં જે સાગરકાંઠાના વિસ્તારો છે કે પછી સમુદ્ર પર જલવાયુ પરિવર્તનનો પ્રભાવ કેવો રહે છે તે અંગે પણ આપણે કામ કરી શકીએ તેમ છીએ. એક એવો પણ થીમ હોઈ શકે છે કે સરહદી વિસ્તારોનો વિકાસ કેવી રીતે કરવામાં આવે. આપણાં જે છેવાડાના ગામો છે, જે આપણી સરહદની સુરક્ષા કરવામાં સેના સાથે ખભેખભો મિલાવીને તનમનથી જોડાઈ જાય છે. એક રીતે કહીએ તો તે પેઢી દર પેઢી આપણાં દેશનું રક્ષણ કરે છે. શું આપણે યુનિવર્સિટીઓના માધ્યમથી આપણાં પરિવારમાં, આપણી સરહદના વિકાસ માટે આયોજન કરી શકીએ તેમ છીએ, આ માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવા વિસ્તારોનો પ્રવાસ કરે, ત્યાંના લોકોની તકલીફો સમજે અને પછી અહિં આવીને બેસીને તે અંગે ચર્ચા કરે, સમસ્યાઓના ઉપાયો શોધી કાઢે.
તમારી યુનિવર્સિટી એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરવા માટે ‘વસુધૈવ કુટુમ્બકમ’નું એ સપનું ત્યારે જ સાકાર કરી શકાય છે કે જ્યારે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર થાય છે. આ યુનિવર્સિટીમાં આવતા એક વિસ્તારના વિદ્યાર્થીઓ, બીજા વિસ્તારની ભાષાઓ શિખે, તેના કેટલાક શબ્દો શિખે તો તે વધુ બહેતર બની રહેશે. તમે લોકો એવું લક્ષ્ય નકકી કરી શકો તેમ છો કે સિમ્બાયોસીસના વિદ્યાર્થીઓ જ્યારે અહીંથી ભણીને બહાર નિકળશે ત્યારે મરાઠી સહિત ભારતની ઓછામાં ઓછી પાંચ ભાષાના 100 શબ્દો ચોક્કસપણે યાદ રાખશે અને જીવનમાં તેની ઉપયોગિતાનો તેમને ખ્યાલ આવશે.
આપણી આઝાદીના આંદોલનનો ઈતિહાસ ખૂબ જ સમૃધ્ધ છે. આ ઈતિહાસના કેટલાક પાસાંઓને ડીજીટલ સ્વરૂપે મૂકવાનું કામ તમે કરી શકો છો. દેશના યુવાનો એનએસએસ, એનસીસીની જેમ કેવી રીતે નવી પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારી શકાય તે અંગે સમગ્ર પરિવાર સાથે મળીને કામ કરી શકે તેમ છે. જે રીતે જળ સુરક્ષાનો વિષય હોય, ખેતીને ટેકનોલોજી સાથે જોડવાનો વિષય હોય, સોઈલ ટેસ્ટીંગથી માંડીને ફૂડ પ્રોડક્ટસના સંગ્રહ અને નેચરલ ફાર્મિંગ સુધીના વિષયોમાં તમે સંશોધનથી માંડીને જાગૃતિ ઉભી કરવાનું કામ કરી શકો તેમ છો. આવા તો અનેક વિષયો છે. આ વિષયો શું હશે તેનો નિર્ણય હું તમારી ઉપર છોડું છું, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે દેશની આવશ્યકતાઓનો, સમસ્યાઓના ઉપાયો તમે આવા વિષયો તરીકે પસંદ કરી શકો છો કે જેથી તમામ નવયુવાનો, તમામ યંગ માઈન્ડ સાથે મળીને એટલી મોટી માળખાકીય વ્યવસ્થાઓ તૈયાર કરી શકે અને આપણે કોઈને કોઈ ઉપાયો તો શોધી જ કાઢીશું. હું તમને સૌને નિમંત્રણ પાઠવી રહ્યો છું કે તમે તમારા સૂચનો અને અનુભવો અંગે સરકાર સાથે આદાન-પ્રદાન કરો. આ વિષયો ઉપર કામ કર્યા પછી તમે તમારૂં સંશોધન, તમારા પરિણામો, તમારા આઈડિયાઝ, તમારા સૂચનો પ્રધાનમંત્રી કાર્યાલયને પણ મોકલી શકો છો.
મને વિશ્વાસ છે કે હવે અહિંના પ્રોફેસર, અહિંની ફેકલ્ટી, અહિંના વિદ્યાર્થીઓ સાથે મળીને આ અભિયાનનો હિસ્સો બની રહેશે તો તેના ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકશે. તમે કલ્પના કરો કે તમે 50 વર્ષ ઉજવી રહ્યા છો, જ્યારે 75 વર્ષની ઉજવણી કરશો અને 25 વર્ષમાં દેશ માટે 25 થીમ ઉપર 50-50 હજાર દિમાગોએ કામ કર્યું હશે તો કેટલો મોટો સંપુટ તમે દેશને આપી શકશો. હું માનું છું કે તેનો સૌથી મોટો ફાયદો સિમ્બાયોસીસને વિદ્યાર્થીઓને જ થશે. અંતમાં હું, સિમ્બાયોસીસના વિદ્યાર્થીઓને વધુ એક બાબત જણાવવા માંગુ છું. આ સંસ્થામાં રહેવાની સાથે સાથે તમને, તમારા પ્રોફેસર્સને, તમારા શિક્ષકોને ઘણું બધું શિખવા મળ્યું હશે. મારૂં આપને સૂચન છે કે સ્વજાગૃતિ, ઈનોવેશન અને જોખમ લેવાની ક્ષમતા હંમેશા મજબૂત બનાવશો. હું આશા રાખું છું કે આપ સૌ આવી ભાવના સાથે જીવનમાં આગળ ધપશો. અને મને વિશ્વાસ છે કે 50 વર્ષની તમારી પાસે જે એક મૂડી છે, અનુભવની મૂડી છે, અનેક પ્રયોગો કરતાં કરતાં તમે અહિંયા સુધી પહોંચ્યા છો, તમારી પાસે ખજાનો છે અને આ ખજાનો દેશ માટે કામમાં આવશે. તમે વિકસતા રહો, અહીં આવનાર દરેક વ્યક્તિ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આવતો હોય છે અને આત્મવિશ્વાસ સાથે બહાર આવતો હોય છે. મારી તમને અનેક શુભેચ્છાઓ છે.
હું, ફરી એક વખત તમને એટલા માટે પણ ધન્યવાદ આપીશ કે મને તમારી વચ્ચે આવવાની તક મળતી રહે છે, પણ હું આવી શકતો નથી. હું મુખ્યમંત્રી હતો ત્યારે એક વખત અહીં આવી શક્યો હતો. આજે તમારી સાથે આ પવિત્ર ધરતી પર આવવાની મને જે તક મળી છે તેના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. મને આ પેઢી સાથે રૂબરૂ ઉપસ્થિત થવાની તક મળી છે.